'કોરોના સંક્રમણ' વચ્ચે જિલ્લા પ્રશાસનની સાથે ખભેખભા મિલાવીને જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટેની "સેવાધામ" ખાતે સંઘના સ્વયંસેવકોની સેવાઓ ડાંગ જિલ્લાના કોરોનાદર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે.
ડાંગ જિલ્લાના આહવા સ્થિત સનસેટ પોઇન્ટ ખાતે શ્રી વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત "સેવાધામ" ખાતે ત્રીસ થી વધુ કોરોના દર્દીઓ માટે આઇસોલેશન ની સુવિધા સાથે તેમના ભોજન વિગેરેની આનુશાંગિક સુવિધા પૂરી પાડીને 'સેવાધામ'ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો એ જિલ્લા વહીવટી તંત્રની ચિંતા હળવી કરી છે.
'સેવાધામ' ખાતે ચાલતા વનવાસી છાત્રાલયને ત્વરિત 'આઇસોલેશન હોમ' મા તબદીલ કરીને ૩૦ થી વધુ એસિમટોમેટિક પોઝેટીવ દર્દીઓ, કે જેમને ત્યાં 'હોમ આઇસોલેશન' માટેની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, તેવા દર્દીઓ માટે અલાયદા હોલ, ટોયલેટ બાથરૂમ, ચા નાસ્તા સહિત ભોજનની સુવિધા, અને સંસ્થાના સ્વયંસેવકોની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
અહી આવતા દર્દીઓની આરોગ્ય વિષયક દેખભાળ માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આયોજન, વ્યવસ્થાઓ ગોઠવાશે, જ્યારે આનુશાંગિક સહયોગ 'સેવાધામ' પૂરો પાડશે. સાથે સાથે ભારતની પ્રાચિનતમ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર જરૂરી ચિકત્સા પણ અહીં ઉપલબ્ધ કરાવાશે.
'સેવાધામ'ને સેવાની તક પુરી પાડવા બદલ ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોર, તથા જિલ્લા આરોગ્ય તંત્રનો હકારાત્મક સહયોગ સાંપડ્યો છે, તેમ જણાવતા સંસ્થાના સ્વયંસેવકોએ, "કોરોના કાળ"મા સમાજના જરૂરિયાતમંદોની સેવાની મળેલી તક ને, પ્રભુ સેવા તરીકે સ્વીકારી છે તેમ જણાવ્યુ હતુ.
"કોરોના" ના કપરા કાળમા સેવાભાવી સંસ્થા 'સેવાધામ' વહીવટી તંત્રની સાથે જરૂરિયાતમંદોની દેખભાળ કરશે, ત્યારે સાચે જ ડાંગ જિલ્લામા વધતા જતા "કોરોના સંક્રમણ" વચ્ચે સેવધામની સેવા પ્રવૃત્તિ જરૂરિયાતમંદો માટે આશીર્વાદ સાબિત થશે.(અહેવાલ : મનોજ ખેંગાર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500